પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. આજે ભચાઉ તાલુકાના રાજનસર ગામની સીમ વિસ્તારમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાની સૂચનાથી ભચાઉ મામલતદાર શ્રી મોડસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ભચાઉ મામલતદાર શ્રી રાજપૂત તથા પૂર્વ કચ્છ ખાણ-ખનીજ વિભાગના અધિકારી શ્રી ગૌરાંગ પરમારની સંયુક્ત ટીમ દ્વારા રાજનસર સીમ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરવામાં આવતું હોવાનું સામે આવતા સ્થળ પરથી એક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ખનીજ ચોરી પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સુધી તંત્ર ક્યારે પહોંચશે અને સમગ્ર નેટવર્ક સામે કેટલી કડક કાર્યવાહી થશે તેના પર હવે સૌની નજર છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કથિત રાજકીય કે અન્ય વગદાર સંપર્કોના કારણે ખનીજ ચોરીના નેટવર્કને બળ મળતું હોવાની શક્યતા છે; જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનનને લઈને ફરિયાદો અને આક્ષેપો સામે આવી રહ્યા છે. સરકારી ખનીજની ચોરીથી સરકારને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વચ્ચે રાજનસર વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મામલતદાર રાજપૂત અને ખાણ-ખનીજ વિભાગના અધિકારી ગૌરાંગ પરમારની સંયુક્ત કાર્યવાહીથી ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ખનીજ ચોરીનો માસ્ટરમાઈન્ડ હજુ પકડમાં આવ્યો છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે તપાસનો વ્યાપ વધારી ચોરીના મૂળ સુધી પહોંચવાની કામગીરી થાય તેવી સ્થાનિકોની માંગ છે. ખિસ્સામાં બે રૂપિયા વધુ આવતા કેટલાક તત્વોના પગ આસમાને પહોંચ્યા હોવાની ચર્ચા વચ્ચે તંત્રની આ કાર્યવાહી બાદ કાયદો દરેક માટે સરખો હોવાનો સંદેશ ગયો છે.
ખાણ-ખનીજ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો તપાસમાં વધુ ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી કે અન્ય સંડોવણી બહાર આવશે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી થવાની શક્યતા છે. રાજનસરની આ રેડ બાદ પૂર્વ કચ્છમાં ખનીજ ચોરીના અન્ય સ્થળો સામે પણ તંત્ર કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહેશે.