કચ્છના વિકાસને મળશે નવી ગતિ: NH-27ના વિસ્તરણ માટે ₹2100 કરોડનો મહાપ્રોજેક્ટ મંજૂર
August 01, 2026
0
કચ્છને દેશના મુખ્ય ઔદ્યોગિક અને બંદર વિસ્તારો સાથે વધુ ઝડપી અને સુરક્ષિત રીતે જોડવા માટે કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે-27ના વિસ્તરણનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. કુલ ₹2100 કરોડના ખર્ચે માળીયા-સુરજબારી માર્ગને 8 લેન અને શિકારપુર-મેવાસા માર્ગને 6 લેનમાં પરિવર્તિત કરવામાં આવશે.કચ્છમાં આવેલા કંડલા, મુન્દ્રા અને અન્ય બંદરો, ઉદ્યોગો, સોલાર-વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વાહનવ્યવહારમાં સતત વધારો નોંધાયો છે. તેના પરિણામે સુરજબારી હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા સર્જાતી રહી છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.પ્રોજેક્ટ હેઠળ માળીયા-સુરજબારી વચ્ચેનો આશરે 41 કિલોમીટર માર્ગ 8 લેનમાં અપગ્રેડ થશે, જ્યારે શિકારપુર-મેવાસા વચ્ચેનો આશરે 20 કિલોમીટર માર્ગ 6 લેનમાં પરિવર્તિત થશે. આ માર્ગ પૂર્વ-પશ્ચિમ કોરિડોરને વધુ મજબૂત બનાવશે અને કચ્છ સહિત સમગ્ર પશ્ચિમ ભારતના પરિવહન નેટવર્કને નવી દિશા આપશે.માર્ગ વિસ્તરણ પૂર્ણ થયા બાદ ભારે વાહનોની અવરજવર સરળ બનશે, ટ્રાફિક જામમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં વધારો થશે અને કચ્છ, ભુજ તેમજ બંદર વિસ્તારો સુધી પહોંચવાનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. વેપાર, ઉદ્યોગ, નિકાસ અને સ્થાનિક અર્થતંત્રને પણ આ પ્રોજેક્ટથી મોટો લાભ મળશે.સ્થાનિક લોકો અને ઉદ્યોગજગતે આ નિર્ણયને કચ્છના સર્વાંગી વિકાસ તરફનું ઐતિહાસિક પગલું ગણાવી આવકાર વ્યક્ત કર્યો છે.
Share to other apps

