મુન્દ્રા, તા.12 : યુનિવર્સિટીઓમાં અધ્યાપક બનવા માટે નેટ પરીક્ષાના વિકલ્પ તરીકે ઉમેદવારો જીસેટ (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા લેવા માટે રાજ્ય સરકારે એમ. એસ. યુનિવર્સિટી વડોદરાને જવાબદારી સોંપી છે.
તાજેતરમાં 18મી જીસેટની પરીક્ષા લેવાઈ હતી. જેનુ પરિણામ આજે જાહેર થતા કચ્છ યુનિવર્સીટી ભુજ સહિત રાજ્યના વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનારા 35875 ઉમેદવારો પૈકી 2595 ઉમેદવારો પાસ થયા છે. આમ જીસેટ પરીક્ષાનુ 7.23 ટકા પરિણામ જાહેર થયુ છે.
જેમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના એવા રતાડીયા ગામની યુવતી તિતિક્ષાબેન પ્રકાશભાઈ ઠકકરએ રાજય સ્તરની આસિસ્ટન્ટ પ્રોફેસરની સ્પર્ધાત્મક જીસેટ પરીક્ષા ગુજરાતી વિષયમાં પ્રથમ પ્રયત્ને પાસ કરીને પરિવાર, ગામ, કોલેજ તથા સમાજનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની માતા જાગૃતિબેન રાયચુરા રતાડીયાની હાઈસ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષકા તરીકે તથા પિતા પ્રકાશભાઈ ઠકકર રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ સુપરવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવત આ વિદ્યાર્થીનીને બરાબર બંધ બેસે છે. મુન્દ્રાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્નાતક તથા મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં બી. એડ. અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી મુન્દ્રા કેન્દ્રમાં અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ આવી કપરી પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરીને પોતાની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની લાયકાત સિદ્ધ કરી બતાવી છે. તિતિક્ષા ઠકકરએ આ સિદ્ધિ માટે પરિવારનો સાથ, અથાગ મહેનત અને મુન્દ્રા કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ ફફલ, ડો. દિપકભાઈ ખરાડી અને બીએઓયુના ડો. કૈલાશભાઈ નાંઢા તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારના માર્ગદર્શનને આભારી ગણાવી હતી.