કચ્છ યુનિવર્સિટીમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો,વિદ્વાનોએ સાહિત્યિક વારસાને ઉજાગર કર્યો

0
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ તથા શ્રી હમીરજી રત્નું લોકસાહિત્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ‘ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય’ વિષયક એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં વિદ્વાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પ્રાદેશિક સાહિત્યના અતૂટ સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત રજીસ્ટ્રેશન અને અલ્પાહાર બાદ પરંપરાગત દીપ પ્રાગટ્ય તથા કચ્છના પ્રખર સાહિત્યકાર દુલેરાય કારાણીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉ. કાશ્મીરાબેન મહેતાએ સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું.ઉદ્ઘાટન સત્રમાં કચ્છના પૂર્વ સાંસદ અને ટ્રસ્ટી પુષ્પદાનભાઈ ગઢવીએ પ્રેરક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, “કચ્છ ભૌતિક, સાહિત્યિક અને આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે સૌએ દીવો બનીને સમાજમાં તેજસ્વી પ્રકાશ ફેલાવવાનો છે.”કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ભારતીય જ્ઞાન પરંપરાને અફાટ દરિયા સમાન ગણાવી જણાવ્યું કે, “ભારતીય જ્ઞાન પરંપરા એ જ્ઞાનનો દરિયો છે, જેને જાળવવો એ આપણી ફરજ છે.
”યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે દુલેરાય કારાણીની જન્મ અને પુણ્યતિથિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કચ્છના સમૃદ્ધ સાહિત્ય પર હજુ વર્ષો સુધી સંશોધન થઈ શકે તેટલું ભાથું ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે ધોરણ ૬ થી કોલેજ સુધી ભગવદ ગીતાના અભ્યાસક્રમમાં સમાવેશ થવો એ જ્ઞાન પરંપરાના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે.બીજરૂપ વક્તવ્યમાં પદ્મશ્રી ગૌતમ પટેલએ સંસ્કૃત ભાષા અને ભારતીય શાસ્ત્રોની મહત્તા સમજાવતા કહ્યું, “ગુજરાત જો ભારતનું કપાળ હોય તો કચ્છ તેનું ભાલ છે અને ભુજ એ તિલક સમાન છે.” તેમણે સંસ્કૃતને દૈવી વાણી ગણાવી અને ભારતે વિશ્વને શૂન્ય, આલ્ફાબેટ, પાઈ તથા ગાયત્રી મંત્ર જેવી બૌદ્ધિક ભેટો આપી હોવાનો ઉલ્લેખ કર્યો.પ્રથમ સત્રનું સંચાલન ડૉ. પંકજ ઠાકર દ્વારા અને આભારવિધિ ડૉ. રાજેન્દ્ર બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. વિવિધ બેઠકોમાં ભાષાકીય વૈવિધ્યતા જોવા મળી હતી. એસ.પી. યુનિવર્સિટીના ડૉ. સુધા ચૌહાણ અને એમ.એસ. યુનિવર્સિટીના ડૉ. દિપેન્દ્રસિંહ જાડેજાએ અનુક્રમે ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં જ્ઞાન પરંપરાના પ્રદાન અંગે ચર્ચા કરી હતી.ભોજન બાદના સત્રમાં જાણીતા સાહિત્યકાર જયંતિ જોષી ‘શબાબ’એ કચ્છી લોકબોલીમાં ‘પાની સબ મેં એક’ વિષય પર દિલસ્પર્શી રજૂઆત કરી હતી. તેમણે શાયરાના અંદાજમાં કહ્યું, “તમે કરજો પ્રેમની વાતો, અને અમે કરશું પ્રેમ.” તેમની રજૂઆત દ્વારા ભાષાકીય વિવિધતામાં એકતાનો સંદેશ પ્રતિધ્વનિત થયો હતો.સમાપન સત્રમાં શ્રી કાનજીભાઈ મહેશ્વરીએ ‘મામઈ દેવની વાણી’ અને ભારતીય જ્ઞાન પરંપરા પર પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
સમગ્ર પરિસંવાદ દરમિયાન કુલ ૧૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૪૨ યુવા સંશોધકોએ ઉત્સાહપૂર્વક શોધપત્રોનું વાચન કર્યું હતું.આ સમગ્ર અહેવાલ ડૉ. રમજાન હસણીયાએ રજૂ કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ડૉ. હીનાબેન ગંગર તથા ડૉ. ફાલ્ગુનીબેન પોમલ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હીનાબેન ગંગરે આભારવિધિ સાથે કાર્યક્રમનું સફળ સમાપન જાહેર કર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top