ભચાઉમાં સેવા, સંસ્કૃતિ અને સમરસતાનો સંદેશ આપતું ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું
March 02, 2026
0
ભચાઉ ખાતે સમસ્ત હિંદુ સમાજ સમિતિ દ્વારા સેવા, સંસ્કૃતિ, સમરસતા, સ્વદેશી અને સંગઠનના સંદેશ સાથે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 25થી વધુ વિવિધ સમાજોએ એકત્ર થઈ એકતા અને ભાઈચારાનો અનોખો દ્રશ્ય રજૂ કર્યો હતો.
કાર્યક્રમના અંતે સર્વે સમાજના લોકોએ સાથે મળીને પંગત ભોજનરૂપે પ્રસાદ ગ્રહણ કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ પૂર્વે શહેરના યુવાનો દ્વારા શિવાજી મહારાજ ગેટથી મુખ્ય બજાર, મહારાણા પ્રતાપ ગેટ, વીર સાવરકર ચોક અને નવા બસ સ્ટેશન માર્ગે કાર્યક્રમ સ્થળ સુધી બાઈક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.આ સંમેલન શ્રવણ કાવડિયા આશ્રમ નજીક હીરાભાઈ પટેલના વિશાળ મેદાનમાં યોજાયું હતું. કાર્યક્રમમાં જૈન સમાજના મુક્તિમનન વિજય મહારાજ સાહેબ, અનંતસિદ્ધ વિજય મહારાજ સાહેબ, સાધ્વી તેજશ્રી માતાજી (વજેપર), ડૉ. સંતરામ યોગાચાર્ય (કબીર આશ્રમ ભચાઉ), સાધ્વી આત્માનંદજી માતાજી (શ્રવણ કાવડિયા આશ્રમ), સુખદેવ મુની બાપુ (ઉદાસીન આશ્રમ વોંધ), સાધ્વી બળદેવદાસ મનહર (કબીર આશ્રમ), નરસનદાસ બાપુ (કરગરીયા ધામ) તેમજ રવિરામ બાપુ (જ્ઞાન જ્યોતિ આશ્રમ દાફડા) ઉપસ્થિત રહ્યા હતા.મંચસ્થ કાર્યક્રમમાં સંત શ્રી ત્રિકાલદાસજી બાપુ (રાપર) દ્વારા આશીર્વચન પાઠવાયા હતા. હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ એડવોકેટ કિશોરભાઈ જયંતીભાઈ રાવલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાગડ વિસ્તાર કાર્યવાહ શામજીભાઈ માતા અને મુખ્ય વક્તા હિંમતસિંહજી વસણ (કચ્છ વિભાગ સંઘચાલક) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સંસ્કાર કેન્દ્રોના બાળકો તેમજ ભચાઉ શિશુ મંદિર અને પ્રજાપતિ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ‘પંચ પરિવર્તન’ના મુદ્દાઓ — સ્વદેશી ભાવ જાગરણ, સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય — પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.આ ભવ્ય સંમેલનમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, નગરસેવકો તથા શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન નારણભાઈ દુબરીયા દ્વારા કરવામાં આવ્યું હતું,
જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ પંકજભાઈ લકુમ તથા સ્વયંસેવક કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ રીતે ભચાઉમાં યોજાયેલા વિરાટ હિન્દુ સંમેલને સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની શક્તિનો પ્રબળ સંદેશ આપ્યો હતો.
Tags
Share to other apps

