અહેવાલ : જયેશ ધેયડા ( ભચાઉ )
ભચાઉમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો — નાના પર કડકાઈ, મોટા પર મૌન?
March 18, 2026
0
ભચાઉ શહેરમાં તાજેતરમાં નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા અને નાના દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈ શહેરમાં એક તરફ રાહતનો માહોલ જોવા મળ્યો, તો બીજી તરફ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે નાના વેપારીઓના દબાણો દૂર કરાયા, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર ઉભી થયેલી હોટલો, હોસ્પિટલો અને ત્રણ માળની ગેરકાયદેસર બિલ્ડીંગો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ?
ખાસ કરીને કેટલીક ઈમારતો રાજકીય નેતાઓ સાથે સંકળાયેલી હોવાની ચર્ચાઓએ મુદ્દાને વધુ ગરમાવ્યો છે.ભચાઉના નવા વિસ્તારોમાં પણ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયાના આક્ષેપો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોનો સવાલ છે કે આ બાંધકામોને પરમિશન કોણે આપી? અને જો ગેરકાયદેસર છે, તો શું નગર પાલિકા એ પર પણ બુલડોઝર ચલાવશે? સ્થાનિકોમાં આ પણ ચર્ચા છે કે નગર પાલિકાના તમામ કાઉન્સિલરો એક જ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાને કારણે “પસંદગીયુક્ત કાર્યવાહી” થઈ રહી છે. ગટરના નાળાઓ પર બનેલી કેટલીક હોસ્પિટલો અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આ દબાણો દૂર થશે કે નહીં?નવા પોલીસ ઇન્સ્પેક્ટરે દબાણો દૂર કરવાની વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ હવે નજર એ પર છે કે શું આ કાર્યવાહી તમામ માટે સમાન રહેશે કે પછી કોઈ “બાહુબલી” નેતાના દબાણથી તંત્ર પાછળ હટી જશે?હાલમાં ભચાઉમાં મુખ્ય સવાલ એ છે — શું તંત્ર માત્ર ગરીબોના રોજગાર પર બુલડોઝર ચલાવશે કે પછી મોટા અને પ્રભાવશાળી દબાણો સામે પણ સમાન કડકાઈ દાખવશે? આગામી દિવસોમાં નગર પાલિકાની કાર્યવાહી શહેરમાં ન્યાય અને સમાનતા માટે એક કસોટી બની રહેશે.
Tags
Share to other apps

