ભચાઉમાં ગરીબો સામે કાર્યવાહી, નેતાઓના દબાણો સામે તંત્ર મૌન? પ્રશ્નો વચ્ચે ફરી દબાણ હટાવવાની કામગીરી

0
ભચાઉ નગરમાં ફરી એકવાર ગરીબોના દબાણો દૂર કરવા માટે નગરપાલિકાની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બજારમાં ઉતરવાની તૈયારીમાં છે. પરંતુ આ કાર્યવાહી પહેલાં જ એક ગંભીર અને ચર્ચાસ્પદ પ્રશ્ન ઉભો થયો છે કે શું તંત્ર માત્ર ગરીબો સામે જ સખ્તાઈ દાખવે છે અને પ્રભાવશાળી લોકોના ગેરકાયદેસર દબાણો સામે મૌન ધારણ કરે છે?નગરના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી કેટલાક રાજકીય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોની ફરિયાદો અરજદારો દ્વારા લેખિતમાં અનેકવાર કરવામાં આવી હોવા છતાં, તંત્ર તરફથી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી.
પરિણામે સામાન્ય નાગરિકોમાં અસંતોષની લાગણી વધતી જોવા મળે છે.સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, નગરપાલિકાના અધિકારીઓ મોટા નાણાકીય કામો અને બિલોની પ્રક્રિયામાં વ્યસ્ત રહેતા હોવાના કારણે આવા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવાની બાબતમાં ઉદાસીનતા દાખવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેના કારણે પ્રશ્ન ઊભો થાય છે કે શું તંત્રની પ્રાથમિકતાઓ ગરીબોની ઝૂંપડીઓ તોડવામાં છે કે પછી કાયદાનું સમાન અમલીકરણ કરવામાં?ભચાઉના લાયન્સ નગર વિસ્તારમાં પ્રવેશતા જ એક પ્રભાવશાળી મહિલા રાજકીય આગેવાનનું બંગલો આવેલું છે, જ્યાં કાયદેસર બાંધકામ સિવાય સરકારી જમીન પર થયેલા દબાણ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ બંગલાની આસપાસની જમીન પર કોઈપણ શાસકીય મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઘરની જમણી અને ડાબી બાજુના વિસ્તારોમાં થયેલા આ બાંધકામ અંગે છેલ્લા બે વર્ષથી સતત લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે,
છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળે છે.આ મામલે અરજદાર પ્રકાશ મહેશ્વરીએ અનેકવાર તંત્રને અવગત કરાવ્યા હોવા છતાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા હવે તેઓ ઉપવાસ આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે. જો આવું થાય તો આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય નહીં.આ પરિસ્થિતિમાં હવે લોકોની નજર ભચાઉના પ્રાંત અધિકારી અને મામલતદાર પર ટકી છે, જેઓ સામાન્ય નાગરિકોના હિત માટે કામ કરતા અધિકારીઓ તરીકે ઓળખાય છે. લોકોમાં આશા છે કે તેઓ આ મામલે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરીને કાયદાનું સમાન અમલીકરણ સુનિશ્ચિત કરશે.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સમયસર જાગે છે કે પછી ફરી એકવાર સામાન્ય નાગરિકોને જ નિશાન બનાવવામાં આવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top