કચ્છમાં મીઠા માફિયા બેફામ! “બાબુ”ના નેટવર્ક સામે તંત્રના હાથ બાંધી ગયા?
March 22, 2026
0
પૂર્વ કચ્છમાં દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ હેઠળ આવતાં તુણા થી જંગી સુધીના કાંઠા વિસ્તારમાં ફરી એક વખત ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ સક્રિય થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ “બાબુ” નામના પ્રભાવશાળી વ્યક્તિ અને તેના નેટવર્કની સંડોવણી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.થોડા સમય પહેલા જ પોર્ટ ટ્રસ્ટ દ્વારા મોટા પાયે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી,
જેમાં ગેરકાયદેસર મીઠાના અગરો અને કારખાનાઓ તોડી પાડવામાં આવ્યા હતા. તે સમયે કડક સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે કોઈપણ ગેરકાયદેસર દબાણ સહન કરવામાં નહીં આવે. પરંતુ હાલની સ્થિતિ એ સૂચવે છે કે આ કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ રહી ગઈ.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ “બાબુ”એ ફરીથી એ જ વિસ્તારોમાં સેટિંગ કરીને ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ ઉભા કરી દીધા છે. આ કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અને બોરવેલ લગાવીને મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે, જેના કારણે દરરોજ લાખો રૂપિયાનો વ્યવહાર થતો હોવાની ચર્ચા છે.વધુ ચોંકાવનારી બાબત એ છે કે “બાબુ”ના રાજકીય જોડાણોને કારણે કોઈપણ કાર્યવાહી અસરકારક રીતે થતી નથી. અનેક વખત વિવિધ વિભાગો દ્વારા રેડ કરવામાં આવી હોવા છતાં, “ઉપરથી” આવતા ફોનના કારણે કાર્યવાહી અધૂરી રહી જતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. “મીઠાઈના બોક્સ” દ્વારા અનેક કચેરીઓ સુધી પહોંચ થતી હોવાની પણ લોકચર્ચા છે.આ પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનો સવાલ છે કે જ્યારે સરકારી જમીન પર ખુલ્લેઆમ ગેરકાયદેસર કારખાનાઓ ચાલી રહ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર મૌન કેમ છે?હવે જોવાનું રહ્યું કે શું દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ “બાબુ”ના આ ગેરકાયદેસર સામ્રાજ્ય સામે કડક કાર્યવાહી કરશે કે પછી ફરી એક વખત રાજકીય દબાણ સામે ઝૂકી જશે?કચ્છના કાંઠે ચાલતા આ ગેરકાયદેસર ધંધા સામે તંત્ર ક્યારે જાગશે અને સાચા અર્થમાં કાયદાનો અમલ કરશે — તે પ્રશ્ન હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
Tags
Share to other apps

