ભચાઉના રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસે જિગ્નેશ મેવાણી સમક્ષ કરી રજુઆત

0
તાજેતરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈ ભચાઉ તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભચાઉ કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકામાં અસામાજિક તત્વોના ત્રાસ તેમજ સતાધારી પક્ષના કેટલાક આગેવાનો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો ઉપર દબાણ, ડર, ભય અને લાલચ આપી રાજકીય રીતે હતાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પાલ આંબલિયા સમક્ષ પણ ભચાઉના કેટલાક સતાધારી આગેવાનોની દાદાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે મોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ, જિગ્નેશ મેવાણીએ ભચાઉના આગેવાનોની વાતને ગંભીરતાથી લીધી છે અને છેલ્લા વીસ વર્ષ દરમિયાન સંપત્તિમાં થયેલા વધારો તેમજ છેલ્લા દસ વર્ષમાં એકત્રિત થયેલી આર્થિક સંપત્તિ અંગે ઈડી અને સીબીઆઈ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે.સાથે સાથે ગેરકાયદેસર ધંધા, ખનન, પરિવહન, મીઠાના વેપાર, ગૌચર જમીન, વિજપોલ અને નગરના મોટા દબાણો જેવા મુદ્દાઓ પર પણ ચૂંટણી બાદ મોટાપાયે ઝુંબેશ ચલાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.ભચાઉ તાલુકામાં રણ વિસ્તારમાં લાખો હેક્ટર જમીનમાં ગેરકાયદેસર રીતે મીઠું પકવવામાં આવી રહ્યું હોવાના તેમજ ભચાઉથી કંડલા સુધી રોજના સેંકડો મેટલ ભરેલા વાહનો દ્વારા છેલ્લા બે વર્ષથી પરિવહન કરી સરકારી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.આવનારા દિવસોમાં ભચાઉ તાલુકાના રાજકારણમાં જિગ્નેશ મેવાણીની સક્રિય એન્ટ્રી થાય તો અનેક ભ્રષ્ટાચારી તત્વોની પોલ ખુલ્લી પડી શકે છે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.લોકોમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર અને ખનિજ સંપત્તિની લૂંટ ચલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી થાય અને દેશની સંપત્તિ સુરક્ષિત રહે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top