નખત્રાણા પોલીસનો સરાહનીય ખુલાસો: કેબલ ચોરીનો ગુનો ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા
May 02, 2026
0
નખત્રાણા પોલીસ દ્વારા વણ-શોધાયેલ કેબલ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.શ્રી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ કચ્છ-ભુજ), પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ (પશ્ચિમ કચ્છ-ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી મનીષા દેસાઇ સાહેબ (ઇન્ચાર્જ નખત્રાણા વિભાગ) દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર-પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર રોકવા અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને પો.ઇન્સ. એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલ માહિતી મુજબ જડોદરથી કોટડા (જ.) તરફ ટાટા કંપનીના સફેદ રંગના વાહનમાં બળેલા કોપર વાયરનાં ફીંડલાઓ લઇ જવાતા હતા.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વાહન રોકી તપાસ કરતા સુલતાન ઇસ્માઇલ નોડે (ઉ.વ.૩૫), અલ્તાફ દાઉદ મંધરા (ઉ.વ.૨૪) અને ઇમરાન દાઉદ કુંભાર (ઉ.વ.૩૦) રહે. જડોદર, તા. નખત્રાણા ને ઝડપી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી બળેલા કોપર વાયરનાં ફીંડલાઓ મળી આવ્યા હતા.મુદ્દામાલ અંગે આધાર-પુરાવા રજૂ કરવા કહેતાં આરોપીઓ કોઇ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. કડક પુછપરછ દરમ્યાન આરોપીઓએ જડોદર ગામની એક વાડીમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ એ.એસ.આઇ. વિજયભાઇ એ. રાવલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા, સબીરઅલી બાયડ, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
Share to other apps

