કચ્છમાં ચર્ચાસ્પદ ‘ઝેરી મેડિકલ ઓક્સિજન કાંડ’ મામલે તપાસ તેજ
May 16, 2026
0
ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ સ્થિત ‘અગ્રવાલ એન્ડ કંપની’ સામે ઝેરી અને નકલી મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ અને આરોગ્ય વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદ મુજબ કંપનીએ ફર્જી ડિગ્રી અને ભુતિયા લેબોરેટરીના દસ્તાવેજોના આધારે મેડિકલ ઓક્સિજન ઉત્પાદન લાઈસન્સ મેળવ્યું હોવાનું આરોપ છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2018થી અનેક હોસ્પિટલોને કથિત રીતે ભેળસેળયુક્ત અને ઝેરી મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યું હતું, જે દર્દીઓને આપવામાં આવતા અનેક ગંભીર આરોગ્ય અસર અને મોતના બનાવો બન્યા હોવાના આક્ષેપો છે. આ સમગ્ર મામલાને “મેડિકલ નરસંહાર” તરીકે વર્ણવી તપાસની માંગ ઉઠાવવામાં આવી છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ મામલાની ગંભીરતા ધ્યાને લઈ તપાસના આદેશ અપાયા હોવાનું જણાવાયું છે. સીએમઓના પત્ર અનુસાર ફાઈલ વધારાના મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) અને વધારાના મુખ્ય સચિવ (આરોગ્ય વિભાગ)ને નિયમસર કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.ફરિયાદમાં કેટલાક હોસ્પિટલોના સંડોવણીના આક્ષેપો પણ કરાયા છે. હોસ્પિટલો દ્વારા યોગ્ય ગુણવત્તા ચકાસણી કર્યા વગર ઓક્સિજન ખરીદી અને દર્દીઓને આપવામાં આવી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940’ મુજબ મેડિકલ ઓક્સિજન દવા તરીકે ગણાતી હોવા છતાં યોગ્ય ચકાસણી વગર સપ્લાય લેવાયો હોવાનો આક્ષેપ છે.આ સાથે કંપનીના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, મની એજન્ટો અને અન્ય માધ્યમો દ્વારા થતી પેમેન્ટની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ સાથે કંપનીના લાઈસન્સ, લેબોરેટરી, ડિગ્રી હોલ્ડરોના નામ, કમિશનર રિપોર્ટ, સીએમઓ પત્ર, બેંક વિગતો અને અન્ય દસ્તાવેજો જોડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.ફરિયાદકર્તા રાજેશકુમાર ગુપ્તાએ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરી પીડિતોને ન્યાય અપાવવા માંગણી કરી છે.
Share to other apps

