ફતેહગઢના ઉપરકોટ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર, ગ્રામજનોમાં ભારે રોષ
May 17, 2026
0
રાપર તાલુકાના ફતેહગઢ ગામના ઉપરકોટ વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. વિસ્તારમાં ગટર લાઇનનું કામ અધૂરું હોવાના કારણે ગંદુ પાણી ખુલ્લેઆમ રસ્તાઓ પર ફરી વળતું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.સ્થળ પરથી સામે આવેલા વિડિઓમાં ગટરના પાણીના નિકાલ માટે આર.સી.સી. રોડ તોડવામાં આવતો દૃશ્ય પણ સ્પષ્ટ જોવા મળે છે. આ દૃશ્યો વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અયોગ્ય કામગીરી અને તંત્રની બેદરકારી તરફ ઈશારો કરે છે. રસ્તાઓ પર ભરાયેલા ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોના ઉપદ્રવમાં વધારો થતાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં વ્યાપી ગઈ છે.વિડિઓ દરમિયાન એક સ્થાનિક મહિલાએ તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વોટ લેવા હોય ત્યારે ઘોળ્યા આવે છે, પરંતુ પછી અમારી સમસ્યાઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી.” મહિલાના આ નિવેદનથી સ્થાનિકોમાં વ્યાપેલી નારાજગી સ્પષ્ટપણે સામે આવી રહી છે.વિસ્તારના રહીશોએ તાત્કાલિક ગટર લાઇનનું કામ પૂર્ણ કરવા, ગંદા પાણીના કાયમી નિકાલની સુવિધા ઉભી કરવા તેમજ લાંબા સમયથી બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Share to other apps

