દેશલપરમાં ભુ-માફિયાઓ બેફામ ? ગૌચર અને સરકારી જમીનમાં કરોડોનું ખનીજ કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ, જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે પણ ઉઠ્યા સવાલો
May 17, 2026
0
રાપર તાલુકાના દેશલપર ગામમાં ગૌચર, પળતર અને સરકારી જમીનો ઉપર ખનીજ માફિયાઓએ જાણે ખુલ્લેઆમ રાજ શરૂ કર્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી ગંભીર રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા લાંબા સમયથી બહારથી આવેલા ભુ-માફિયાઓ અને સ્થાનિક માથાભારે તત્વો દ્વારા પંચાયત હદની કિંમતી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જા કરી મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.પંચાયતના જણાવ્યા મુજબ પાબુદાદા, ડુગરાળ અને ખોજાળા વિસ્તાર સહિત અનેક જગ્યાઓ ઉપર ભારે મશીનરી ઉતારી રાત્રીના સમયે કાળા પથ્થરો, ચાઇનાકલે માટી સહિતના ખનીજનો બેફામ ઉપાડ કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટર, જીસીબી, ઇટાચી, હિટાચી અને ડમ્પર જેવા મોટા વાહનો વડે ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ખોદકામ એટલા મોટા પ્રમાણમાં થયું હોવાનું કહેવાય છે
કે કેટલીક જગ્યાઓ ઉપર ૫૦ ફૂટથી વધુ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ ઉભી થઈ છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે ખનીજ ચોરીનો આ આખો કારોબાર દિવસ કરતાં વધુ રાત્રીના સમયે ચાલે છે. રાત્રી દરમિયાન ભારે વાહનોની સતત અવરજવર છતાં સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ન થવાથી અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે શું આ ખનીજ માફિયાઓને કોઇ રાજકીય અથવા અધિકારીઓનું આશીર્વાદ મળ્યું છે ? કારણ કે આટલા મોટા પાયે ખોદકામ અને ખનીજ ચોરી કોઇની જાણ બહાર શક્ય નથી.પંચાયત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભુ-માફિયાઓએ ગૌચર અને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જા કરી પોતાના હક જમાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે પશુપાલકોને પશુઓ ચરાવવા મુશ્કેલીઓ પડી રહી છે. કુદરતી સંપત્તિનો નાશ થવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ગામના લોકોને ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે અને સામાન્ય લોકો આવા માથાભારે તત્વો સામે અવાજ ઉઠાવતા પણ ડરી રહ્યા છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે સરકારી જમીનોનો આ રીતે નાશ ન થયો હોત. ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને રાજસ્વ વિભાગના કર્મચારીઓ અત્યાર સુધી શું કરી રહ્યા હતા ? શું નિયમિત પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવતી નથી ? જો થાય છે તો પછી આટલા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કેવી રીતે ચાલી રહી છે ?દેશલપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે.
ગેરકાયદેસર ખનીજ ચોરીમાં સંડોવાયેલા ભુ-માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા કારોબારને પ્રોત્સાહન કે રક્ષણ આપતા અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે.ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ગૌચર અને સરકારી જમીનો સંપૂર્ણપણે ભુ-માફિયાઓના કબજામાં જતી રહેશે અને ભવિષ્યમાં આ વિસ્તાર મોટું ખનીજ કૌભાંડ બનશે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ ગંભીર મુદ્દે ક્યારે અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે.
Share to other apps

