ભચાઉ તાલુકામાં ડીઝલની ભારે અછતથી ખેડુતો પર સંકટ, તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી

0
ભચાઉ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતીના અત્યંત મહત્વપૂર્ણ સમયમાં ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે જરૂરી ડીઝલ નહીં મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના અનેક પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં પૂરતું ડીઝલ ઉપલબ્ધ ન થતાં ખેડૂતોમાં સરકાર અને વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
ભચાઉ તાલુકાના જાગૃત નાગરિક અને ખેડુત રામજીભાઇ છાંગાએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલ વાવણી અને ખેતી સંબંધિત કામગીરી માટેનો અત્યંત મહત્વનો સમય ચાલી રહ્યો છે. પરંતુ ડીઝલની અછતના કારણે ખેતીના કામો અટકી રહ્યા છે, ખેડુતોનો કિંમતી સમય અને નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે તેમજ આગામી પાકને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે કચ્છ કલેક્ટર દ્વારા ખેડુતોને વાવણી માટે ૨૦૦ લિટર ડીઝલ પૂરું પાડવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં ભચાઉ તાલુકાના મોટા ભાગના પંપો પર ખેડુતોને ડીઝલ મળતું નથી. જેના કારણે ખેડુતોમાં અનેક સવાલો ઊભા થયા છે. “સરકારનો પરિપત્ર આખરે કોના માટે છે ? જો ખેડૂતોને જ ડીઝલ નહીં મળે તો આવા પરિપત્રનો શું અર્થ ?” એવા આકરા સવાલો સાથે ખેડુતોએ સરકાર અને વહીવટી તંત્ર પર પ્રહારો કર્યા હતા.ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે કચ્છ કલેક્ટર, ભચાઉ મામલતદાર અને સરકાર દ્વારા માત્ર લોલીપોપ અને ખાલી આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન સ્તરે કોઈ જ યોગ્ય વ્યવસ્થા દેખાતી નથી. ડીઝલના અભાવે ખેડૂતોને ખેતીના કામો અટકાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે આખી કૃષિ વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.ખેડુતોએ માંગ કરી છે કે તાત્કાલિક સંબંધિત કંપનીઓ અને પુરવઠા વિભાગ સાથે સંકલન કરી ભચાઉ તાલુકામાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને દરેક ખેડુતને સરળતાથી ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી તા. ૨૫/૦૫/૨૦૨૬ સુધીમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ભચાઉ તાલુકાના પીડિત ખેડુતો આંદોલનનો માર્ગ અપનાવશે. તા. ૨૬/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં ખેડુતો પોતાના ટ્રેક્ટરો અને ખેતીના તમામ ઓજારો સાથે ભચાઉ મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉપવાસ આંદોલન કરશે તેમજ ખેતીના સાધનો વહીવટી તંત્રને સુપ્રત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.ખેડુતોનું કહેવું છે કે જો સમયસર ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો સમગ્ર ખેતી પ્રણાલી ખોરવાઈ જશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top