ચોબારી ગામમાં ઝેરી અને ગંદા પાણીનો કહેર ! ગ્રામજનોના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે ચેડાં ?સરપંચથી લઈને જિલ્લા તંત્ર સુધી ગંભીર બેદરકારીના આક્ષેપો, લોકોમાં ભારે રોષ

0
ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં પીવાના પાણીની ગંભીર અને ચિંતાજનક સમસ્યાએ હવે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે. ગામમાં છેલ્લા ઘણા સમયથી કેનાલ મારફતે આવતું અશુદ્ધ, ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરો સુધી પહોંચાડવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં પાણીમાં ગંદકી, કચરો તેમજ પશુઓના અંશો જેવા દૃશ્યો સામે આવતા સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામના સરપંચ, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લા સ્તરના જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે “અમે શુદ્ધ પાણી માંગીએ છીએ, ઝેર નહીં.” હાલ ગામની સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો મજબૂરીમાં ગંદુ પાણી પીવા અને ઘરેલુ ઉપયોગમાં લેવા માટે વાપરી રહ્યા છે. જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.ગ્રામજનોમાં ચર્ચા છે કે શું ચોબારી ગામના લોકોના આરોગ્યની કોઈ કિંમત નથી ? શું જવાબદાર તંત્ર માત્ર કાગળ ઉપરની કામગીરીમાં વ્યસ્ત છે ? પાણી શુદ્ધિકરણની યોગ્ય વ્યવસ્થા વગર સીધું ગંદુ પાણી સપ્લાય થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક લોકો દ્વારા ચોબારી ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, મામલતદાર, નાયબ કલેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી કરતું તો આજે ગામના લોકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી ન હોત. લોકો માંગ કરી રહ્યા છે કે પાણીની તાત્કાલિક લેબોરેટરી તપાસ કરાવવામાં આવે, ગામમાં શુદ્ધ પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ચોબારી ગામના લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને જિલ્લા કક્ષાએ વિરોધ નોંધાવશે. હવે જોવાનું રહ્યું કે જિલ્લા અધિકારી, નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા પંચાયતના જવાબદાર પદાધિકારીઓ આ ગંભીર મુદ્દે કેટલા જાગૃત થાય છે કે પછી ગ્રામજનોને માત્ર આશ્વાસનનો ડોઝ આપીને મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top