ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા હેડ-કોન્સ્ટેબલ કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ અનધિકૃત દારૂ અને માદક પદાર્થોના વેપારને આશરો આપવા તેમજ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિતેશ પી. લાલન દ્વારા પૂર્વ-કચ્છ જિલ્લા પોલીસ વડા (SP) ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયું છે કે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી દેશી-વિદેશી દારૂ અને અન્ય માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો સીધો કે આડકતરો આશરો મળતો હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને હેડ-કોન્સ્ટેબલ કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સામે બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવી ગેરકાયદેસર દારૂના વેપારને રક્ષણ અને પ્રોત્સાહન આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
વધુમાં, હેડ-કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાની આશરે અઢી વર્ષ અગાઉ રાપર પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ હોવા છતાં તેઓ હજુ સુધી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.નિતેશ લાલને પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં પોલીસ તંત્ર દ્વારા પ્રતિબંધિત દારૂ અને માદક પદાર્થોના વેચાણ અંગે માહિતી આપવા જનતાને અપીલ કરવામાં આવી હતી, તે સંદર્ભમાં તેઓ બી-ડિવિઝન વિસ્તારમાં એવા અનેક સ્થળોની માહિતી આપવા તૈયાર છે જ્યાં ખુલ્લેઆમ દારૂ અને માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે.
રજુઆતમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:
૧. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને હેડ-કોન્સ્ટેબલ કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ તાત્કાલિક નિષ્પક્ષ અને વ્યાપક ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે.
૨. હેડ-કોન્સ્ટેબલ કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક રાપર પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર કરવામાં આવે.
૩. બી-ડિવિઝન વિસ્તારમાં ચાલી રહેલા અનધિકૃત દારૂ અને માદક પદાર્થોના વેપારના સ્થળો પર તાત્કાલિક આશ્ચર્યજનક રેડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.
૪. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આશરો આપનાર તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
૫. સંબંધિત અધિકારીઓની અવૈધ આવક, સંપત્તિ તેમજ અસ્થાવર-જંગમ મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવે. રજુઆતના અંતે ચેતવણી આપવામાં આવી છે કે જો આ મામલે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી નહીં થાય તો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) તથા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સમક્ષ ફરિયાદ કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા “જનતા રેડ” કાર્યક્રમો યોજી આ મુદ્દાને મીડિયા, સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર ઉઠાવવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે પોલીસ વિભાગની પ્રતિષ્ઠા, પારદર્શિતા અને કાયદાના શાસનને જાળવવા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.