માછીમારોને હેરાન કરતી ગેંગ સામે ફોરેસ્ટ વિભાગ મૌન કેમ?નીલકંઠ સોલ્ટ, શ્રી રામ સોલ્ટ અને અંકુર સોલ્ટના ગેરકાયદેસર કારોબાર સામે કાર્યવાહી ક્યારે?

0
કચ્છના સૂરજબારી રણ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે મીઠાનું ઉત્પાદન ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. રણ વિસ્તાર પ્રવેશબંધી હેઠળ હોવા છતાં કેટલાક સોલ્ટ ઉદ્યોગકારો અને મીઠા માફિયાઓ દ્વારા મોટી મશીનરી સાથે રણમાં પ્રવેશ કરી કરોડો રૂપિયાનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા સ્થાનિકોમાં જોરશોરથી ચાલી રહી છે.ખાસ કરીને નીલકંઠ સોલ્ટ, શ્રી રામ સોલ્ટ અને અંકુર સોલ્ટ સહિતના એકમોના નામ ચર્ચામાં આવતા હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. જો રણ વિસ્તારમાં સામાન્ય વ્યક્તિને પ્રવેશની મંજૂરી નથી તો પછી મોટા વાહનો, મશીનરી અને મજૂરો ત્યાં સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે?સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર મીઠા ઉત્પાદન અને રણ વિસ્તારમાં થઈ રહેલી પ્રવૃત્તિઓના કારણે તેમના પરંપરાગત વ્યવસાય અને રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. માછીમારોના હિતોને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિઓ સામે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.વન્યજીવ અભ્યારણ્ય અને સંરક્ષિત વિસ્તાર તરીકે ઓળખાતા રણ વિસ્તારમાં જો ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો ફોરેસ્ટ વિભાગની ભૂમિકા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું વિભાગને આ પ્રવૃત્તિઓની જાણ નથી? કે પછી જાણ હોવા છતાં કોઈ કારણસર કાર્યવાહી કરવામાં આવતી નથી? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે વારંવાર રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કે કડક પગલાં ભરવામાં આવતા નથી.પર્યાવરણને નુકસાન પહોંચાડતી અને કાયદાના ખુલ્લેઆમ ભંગ સમાન આ પ્રવૃત્તિઓ સામે હવે રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. જો ગેરકાયદેસર મીઠા ઉત્પાદન થતું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રણ વિસ્તારને મીઠા માફિયાઓના કબજામાંથી મુક્ત કરાવવો જોઈએ.હવે જોવાનું એ રહેશે કે ફોરેસ્ટ વિભાગ આ ગંભીર આક્ષેપો અંગે તપાસ શરૂ કરી જવાબદારો સામે પગલાં ભરે છે કે પછી ફરી એકવાર સમગ્ર મામલો ફાઈલોમાં જ દબાઈ જશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top