કચ્છ જિલ્લામાં ખાણ-ખનિજ ચોરી સામે જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ભચાઉ તાલુકા વિસ્તારમાં હજુ સુધી ખનિજ ચોરી સામે કોઈ મોટી કાર્યવાહી નજરે પડી નથી. ભચાઉ તાલુકામાં ખુલ્લેઆમ ખનિજ ચોરી અને રોયલ્ટી વગરના પરિવહનની ફરિયાદો છતાં સંબંધિત વિભાગોની નિષ્ક્રિયતા પ્રશ્નાર્થ બની છે.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભચાઉ તાલુકામાં ખનિજ ચોરી પકડાશે કે નહીં? કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે? જિલ્લા પ્રશાસન તાત્કાલિક ભચાઉ તાલુકામાં પણ સઘન ચેકિંગ હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છ દ્વારા રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે તા. ૨૯/૧૨/૨૦૨૫ ના રોજ મોટા કપાયા પ્લોટ પ્લાઝા પાછળના વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન રોયલ્ટી વગર સાદી માટીનું ગેરકાયદેસર ખનન તથા પરિવહન કરતી કાર્યવાહી ઝડપી પાડી હતી.ચેકિંગ દરમિયાન ટ્રક નં. GJ-06-AT-2438 (ડ્રાઈવર: સુમરા રમીઝ રફીકભાઈ) તેમજ હિટાચી મશીન નં. i.PUNJD208P3272646 (ડ્રાઈવર: શુભમ ચૌધરી)ને અટકાવવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે બંને વાહનો રોયલ્ટી ચૂકવ્યા વગર ખનિજ ભરેલા હતા. આ ખનિજનો માલિક રાણુભા મંગુભા જાડેજા હોવાનું ખુલ્યું છે.ટીમ દ્વારા કુલ ૧૬.૫ મેટ્રિક ટન સાદી માટી સહિત બંને વાહનો અને મશીનરી મળી અંદાજિત રૂ. ૬૫ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કબ્જે કરાયેલ મુદ્દામાલ હાલ પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે.આ બાબતે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા ખાણ-ખનિજ ચોરી સામે આવનાર સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

